કોંગ્રેસ આજે દેશભરમાં CBI કાર્યાલયોની બહાર ધરણા ધરશે, દિલ્હીમાં નેતૃત્વ રાહુલ ગાંધી સંભાળશે
રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્માને બહાલ કરવાની માગણી સાથે કોંગ્રેસ આજે દેશભરમાં સીબીઆઈ ઓફિસો બહાર ધરણા પ્રદર્શન કરશે.
નવી દિલ્હી: રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્માને બહાલ કરવાની માગણી સાથે કોંગ્રેસ આજે દેશભરમાં સીબીઆઈ ઓફિસો બહાર ધરણા પ્રદર્શન કરશે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે તેઓ દેશની રાજધાની દિલ્હીમાં સીજીઓ પરિસરમાં સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર પાર્ટીના પ્રદર્શનનું નેતૃત્વ કરશે.
તેમણે કહ્યું કે 'શુક્રવારે દેશભરમાં સીબીઆઈના કાર્યાલયોની બહાર કોંગ્રેસ પાર્ટી સીબીઆઈના ચીફને હટાવીને રાફેલ કૌભાંડની તપાસને રોકવા માટેના વડાપ્રધાન મોદીના શરમજનક પ્રયત્નનો વિરોધ કરશે.' તેમણે ટ્વિટમાં લખ્યું કે હું સવારે 11 વાગ્યે દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર પ્રદર્શનનું નેતૃત્વ કરીશ.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી સીબીઆઈ ડાઈરેક્ટર વર્મા વિરુદ્ધના આદેશને તરત પાછા ખેંચવાની માગણી સાથે જ વડાપ્રધાન મોદી પાસે આ સમગ્ર પ્રકરણ પર દેશ સમક્ષ માફી માંગવાની માગણી કરશે. કોંગ્રેસ મહાસચિવ અશોક ગહેલોતે પણ તમામ કોંગ્રેસ મહાસચિવો, પ્રદેશ અધ્યક્ષો અને વિધાયક દળના નેતાઓને પત્ર લખીને કહ્યું છે કે દેશભરમાં સીબીઆઈ કાર્યાલયોની બહાર ભાજપ સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શનો કરવામાં આવે.